રાજકોટમાં ચોમાસામાં ખાસ વરસાદ પડ્યો નથી, પરંતુ તેમ છતાં શહેરની ભાગોળે આવેલા રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી ગયું છે. જોકે, આ પૈકીના મોટાભાગના રસ્તાઓ નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ આવતા હોય છે. ત્યારે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે પાણીના નિકાલ માટે ગટરો ખુલ્લી રાખવામાં આવી છે. જેના કારણે વરસાદ ચાલુ હોય ત્યારે તેમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો આ ગટરમાં પડતા હોય છે. બે દિવસ પહેલાં આવી જ ઘટના બની હતી. જેમાં માર્કેટિંગ યાર્ડ નજીક પાણી ભરાવાને કારણે ખુલ્લી ગટર ન દેખાતા બાઈક સાથે વૃદ્ધ પડ્યા હતા. જેમને સ્થાનિકો દ્વારા મહામહેનતે બહાર કઢાયા હતા. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીં દરરોજ 4-5 આવી ઘટના બને છે. છતાં તંત્ર જાગૃત થતું નથી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે મંગળવારે બનેલી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેમાં એક્ટિવા સાથે નીચે પટકાય હતા. અને ઉભા થઇ શકતા ન હતા. આ દૃશ્યો જોઈને સ્થાનિક લોકો દોડી જાય છે. અને મહામહેનતે આ વૃદ્ધને ઉભા કરી વાહન સાથે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સ્થળે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અવારનવાર આવા અકસ્માતો થતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની માગ તેઓ કરી રહ્યા છે.