અખિલ હિન્દ મહિલા પરિષદનું ત્રિદિવસીય રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં પશ્ચિમ બંગાળના દાર્જિંલિંગમાં યોજાયું હતું. જેમાં દેશભરના તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રાસરૂટ કક્ષાએ કૈાશલ્ય વર્ધન, ડિજિટલ લિટરસી, નાણાકીય સર્વ સમાવેશકર્તા વ્યક્તિત્વ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી બહેનો માટે પ્રશિક્ષણ તેમજ નારી શક્તિ વંદના અનુસંધાને રાજકીય પ્રશિક્ષણ સહિતના આયામોને કેન્દ્રમાં રાખી સ્થાયી પ્રકલ્પો પ્રસ્થાપિત કરાશે. રાજકોટના ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી વિવિધ સ્થાનો પરથી મહિલા અગ્રણીઓએ પરિષદમાં ભાગ લીધો હતો.
શહેરી આર્થિક પછાત વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવિશેષ રીતે મહિલાઓમાં ઉપયોગી દસ્તાવેજોના સંદર્ભમાં વિશેષ જાગૃતિ આવે તે મા આદર્શ દસ્તાવેજીકરણના પ્રકલ્પ શરૂ કરવા પર ચર્ચા કરાઇ હતી. જેમાં મહિલાઓ જનધન પ્રકારના ખાતાઓ ખોલાવી અને બેન્કિંગ સેક્ટરથી પરિચિત થાય તેમજ આધારકાર્ડ, મતદારકાર્ડ સહિતના દસ્તાવેજોના સંદર્ભમાં જાગૃતિ માટે ખાસ યોજનાઓ તૈયાર કરાઇ છે. તેમજ હુન્નરને વ્યવસાયગત સભ્યતા આપવા માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સંખ્યા વધારવા નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત અધિવેશનમાં રાજકોટ શાખા દ્વારા ચાલતી મહિલા સ્વાવલંબન પ્રવૃત્તિનો ચિતાર રજૂ કરાયો હતો અને સ્વાવલંબન પ્રવૃત્તિના માધ્યમથી પગભર થયેલી મહિલાઓનો કેસ સ્ટડી રજૂ કરાયો હતો. આ તકે દરેક રાજ્યમાંથી મહિલા અગ્રણીઓેએ હાજરી આપી હતી.