રાજકોટ તાલુકાના પીપળિયામાં છ વર્ષથી ચાલતી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રકરણમાં અંતે પોલીસે સ્કૂલની સંચાલિકા સામે ગુનો નોંધ્યો હતો. સ્કૂલ સંચાલક ત્રણ દુકાનમાં એલકેજીથી ધોરણ 10 સુધીની સ્કૂલ ચલાવતા હતા અને વિદ્યાર્થીઅોને પોતાની સ્કૂલના નહીં પરંતુ અન્ય આઠ સ્કૂલની માર્કશીટ અને એલસી આપતા હતા.
ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઇ રમેશભાઇ ઉધાસે (ઉ.વ.47) કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીપળિયામાં આવેલી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સંચાલિકા કાત્યાની તિવારીનું નામ આપ્યું હતું. વિમલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.4 જુલાઇના રૂકસાનાબેન નામના મહિલાએ અરજી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેમના બાળકો ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, પરંતુ જ્યારે તેમને બીજી શાળામાં બેસાડવા માટે લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે સ્કૂલ સંચાલકે લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના કહી દીધી હતી. જેથી આ સ્કૂલ નકલી હોવાનું લાગતા શિક્ષણાધિકારીની સૂચનાથી ટીમ દોડી ગઇ હતી અને તપાસ કરતાં વર્ષ 2018થી આ સ્કૂલ ગેરકાયદે ચાલતી હતી.