સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની સોમવારે રાત્રે 9.30 કલાક સુધી ચાલી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં જેની સૌથી વધુ ચર્ચા અને 12 આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ઉત્સુકતા હતી તેમાંથી 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવા મંજૂરી આપી છે જ્યારે બેના ઓર્ડર અટક્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટીની જમીન ઉપર બાંધકામ કરવા મુદ્દેના છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી માગવામાં આવેલા સાધનિક કાગળો રજૂ કરવા નિર્ણય કર્યો હતો. દોઢ વર્ષ પહેલાંની મિટિંગના એજન્ડા અને કાર્યવાહી નોંધ હવે છેક મંજૂરી માટે મૂકી હતી.
બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં 10 મદદનીશ પ્રાધ્યાપકો પૈકી જે પ્રાધ્યાપકોના ખાનગી અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે તેને નિયમિત કરવાની મંજૂરી અપાઈ. 1 મદદનીશ પ્રાધ્યાપક કે જેના ખાનગી અહેવાલ બાકી છે જે આવ્યા બાદ નિર્ણય કરવાની સત્તા કુલપતિને આપી. 1 મદદનીશ પ્રાધ્યાપક કે જેની બાબત ગુજરાત હાઈકોર્ટમાં સબજ્યુડિશ હોય, ફાઈનલ જજમેન્ટને આધીન નિયમિત કરવાની મંજૂરી અપાઈ. વર્ગ-4ના ક્વાર્ટર્સ પાસે યુનિવર્સિટીની જગ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકી અને કબજાની જમીન કપાત કરીને રૈયાના રે.સ.નં. 23ના અંતિમ ખંડને 27ના જમીન માલિકો યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી પાડી છે તે બાબતે રાજકોટ મહાનગરપાલિકા તરફથી માગવામાં આવેલા સાધનિક કાગળો રજૂ કરવા નિર્ણય કર્યો છે.