રાજકોટ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદે સર્જેલી ખાના-ખરાબીની સાથે ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધો હતો. જેના પરિવારજનો માટે રૂ. 4-4 લાખની સહાય કલેક્ટર તંત્ર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં ભોગ બનનાર 2 વ્યક્તિના પરિવારને કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 4 લાખની સહાયની ચૂકવણી કરી દેવામા આવી છે. જ્યારે અન્ય એક રાજકોટ તાલુકાની વ્યક્તિના પરિવારજનો માટે સહાય મંજૂર કરી જરૂરી કાગળો આખરી મંજૂરી માટે ગાંધીનગર મોકલવામાં આવેલ છે. જેમને પણ ટૂંક સમયમાં સહાય ચૂકવાઈ જશે.
કલેક્ટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદથી જેતપુર તાલુકામાં મોંઘીબેન કડવાભાઈ લાલકિયા તથા ધોરાજી વિસ્તારમાં ગત તા.23-6ના ભરતભાઈ પરમાર નામની વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેઓના પરિવારજનોને રૂ. 4-4 લાખની સહાયની રકમ કલેક્ટર તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટ તાલુકામાં વસનાભાઈ ડામોર (મૂળ મધ્યપ્રદેશવાળા)નું પણ ભારે વરસાદથી મોત થતા તેમની સહાય પણ મંજૂર કરી આખરી મંજૂરી માટે કાગળ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવેલ છે. તેમના પરિવારજનોને પણ ટૂંક સમયમાં રૂ. 4 લાખની સહાયનુ ચૂકવણું કરી દેવામાં આવનાર છે.