ગોંડલના રાજકારણ માટે મહત્વના ટર્નિંગ પોઇન્ટ ગણાતા અને શહેરથી માત્ર છ કિમી દૂર આવેલા મોવિયા ગામમાં 24 કલાકથી પણ વધારે સમય પહેલાંથી શનિદેવના મંદિર નજીક નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હોય હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. નોંધનીય છે કે જૂનાગઢ, પોરબંદર કે ગીરસોમનાથ કે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલી મેઘમહેર થઇ તેના કરતાં રાજકોટ જિલ્લામાં વરસાદ પડ્યો જ નથી, સિઝનનો અત્યાર સુધીમાં 17 ઇંચ જ વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લાની પણ આવી જ હાલત છે.
મોટાભાગના જળાશયો પણ હજુ ખાલી છે અને સરેરાશ 27 ટકા જ પાણી સંગ્રહિત છે. ત્યારે આટલું કિંમતી પાણી આ રીતે વેડફાઇ જાય તેમ છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું જેના પગલે ગામના લોકોમાં રોષ ફેલાયો હતો. લોકો કહી રહ્યા હતા કે એક તરફ લોકોને પીવાનું પાણી પણ મળતું નથી ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના પાપે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તે કેટલા અંશે વ્યાજબી છે?