રાજકોટ શહેર રંગીલું ગણાય છે અહીંની હવામાં જ મોજ છે. રંગીલા રાજકોટની રંગતમાં સ્માર્ટ સિટીનો ક્લેવર ઉમેરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને હવે સ્માર્ટ સિટી રાજકોટ બનવા જઈ રહ્યું છે. તેવામાં હવે વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરીને શહેર ગ્રીન રાજકોટ તરીકે પણ ઓળખ પ્રસ્થાપિત કરે તે માટે મહાનગરપાલિકાએ એક જ વર્ષમાં અધધ 7 લાખથી વધુ વૃક્ષ વાવવા નિર્ધાર કર્યો છે જે પૈકી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીની ચાલુ છે. રાજકોટમાં જ નહિ પણ દેશના અનેક શહેરોમાં ક્લાઈમેટ ચેન્જને કારણે તાપમાનમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે જે આ વર્ષે જ લોકોએ અનુભવ્યો. ઉનાળામાં આકરા તાપ બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર કદી ન જોઈ હોય તેવી વરસાદી હોનારત આવી ચડી છે. આ બધી બાબતોનો ઉપાય એ છે કે, લોકો મહત્તમ પ્રકૃતિનું જતન કરે. જો વૃક્ષો વધારે હશે તો ઉનાળાના આકરા તાપમાં પણ પક્ષી, પ્રાણી અને માનવો માટે ટાઢો છાંયો રહેશે અને વરસાદ પણ આવશે. ચોમાસું આવશે તો આ જ વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવશે. આ માટે સરકારે સઘન વૃક્ષારોપણ અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ માટે ભાર આપ્યો છે અને તે માટે જ અર્બન ફોરેસ્ટના પણ પ્રકલ્પો આપ્યા છે અને તે પ્રકલ્પ રાજકોટ શહેરમાં રામવન તરીકે ખૂબ જ સારી રીતે વિકસી રહ્યું છે. આ ઉપરાંત પણ શહેરની અલગ અલગ જગ્યાઓ અને ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવાથી કામ પતી જતું નથી, પણ જ્યાં જગ્યા છે ત્યાં વૃક્ષો વાવવા મનપા મથી રહી છે. આ કાર્યમાં સંસ્થાઓ પણ જોડાઈ છે અને નજીવા શુલ્કે વૃક્ષોની વાવણીથી માંડી જતન સુધીની કામગીરી કરી રહી છે.