ગોંડલમાં સેવાનો પર્યાય બનેલા મુક્તેશ્વર સેવા ટ્રસ્ટમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદાઓ રખાયા જ નથી અહીંનો નાનો કે મોટો દરેક કાર્યકર પ્રમુખ જ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રુપ દ્વારા છેલ્લા 24 વર્ષથી મુક્તિધામનું સંચાલન કરે છે. મુક્તેશ્વર ગ્રુપ મુક્તિધામ (સ્મશાન) ખાતે એકઠા થયેલા અસ્થિનું એક વર્ષ માં બે વખત હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરવા માટે પહોંચે છે. જેઓ આજે સાંજે ગોંડલથી હરિદ્વાર જવા માટે નીકળશે. એટલું જ નહીં, લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી તેમાં થતી આવક સ્મશાનના કામકાજમાં ઉપયોગ કરે છે.
જન્માષ્ટમીની રજામાં દરેક માણસ નિરાંતે મજા માણવાનું પસંદ કરતા હોય છે પરંતુ ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના સદસ્યો રજાનો સદુપયોગ કરી આઈસ્ક્રીમના સ્ટોલમાં સેવા આપતા દેખાય અને આ સ્ટોલની આવક સ્મશાનમાં વપરાય છે. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની વર્ષ 2001માં શરૂઆત કરવામાં આવી હતી અને સાથે 24 વર્ષથી આ આઈસ્ક્રીમનો સ્ટોલ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટોલ માં શિક્ષક, એડવોકેટ, આર્મીમેન, બિઝનેસમેન, નોકરિયાત, નિવૃત શિક્ષક, શ્રમિક સહિતના લોકો સેવા આપે છે. 16 વર્ષથી લઈને 75 વર્ષના વૃધ્ધો આ સ્ટોલમાં સેવા આપે છે.