રાજકોટના ગોંડલ રોડ પર આવેલા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં એસ.ટી. બસ સ્ટેશન માટે જગ્યા ફાળવવા માટે લાંબા સમયથી ધારાસભ્ય દ્વારા રજૂઆતો ચાલી રહી હતી જેના અનુસંધાને શાપર-વેરાવળ ચોકમાં નેશનલ હાઇવે પર આવેલી જગ્યામાં ખડકાયેલા દબાણ દૂર કરવા આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાનાર છે.
કોટડાસાંગાણી તાલુકા મામલતદારે જણાવ્યું હતું કે, શાપર-વેરાવળમાં નેશનલ હાઇવે પર ચોકડીએ બસ સ્ટેશનના અભાવે લોકોએ એસ.ટી. બસ માટે હાઇવે પર ઊભું રહેવું પડે છે. તેથી ધારાસભ્યની રજૂઆતના પગલે ત્યાં બસ સ્ટેશન બનાવવા નિર્ણય કરાયો છે. નેશનલ હાઇવેની જગ્યામાં બનનારા બસ સ્ટેશનની જગ્યામાં હાલમાં 3થી 5 જેટલા કોમર્સિયલ દબાણો હોય તે દૂર કરવા ગુરુવારે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ જનાર છે. જેમની મદદમાં અમારી કચેરીના નાયબ મામલતદાર સહિતની ટીમ પણ ઉપસ્થિત રહેશે અને દબાણો દૂર કરાવી આ જગ્યામાં ફેન્સિંગ કરી દેવાશે. ત્યારબાદ આ જગ્યા એસ.ટી.તંત્રને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.