વડોદરાથી ઇન્ટરસિટી પરત નહીં આવતા ગુરુવારની ટ્રેન રદ

રાજ્યભરમાં પડી રહેલા મૂશળધાર વરસાદને કારણે પરિવહન સેવાઓમાં ખાસ્સી અસર જોવા મળી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદે દક્ષિણ ગુજરાતને પણ ધમરોળ્યું હોય વડોદરા પંથકમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે વડોદરા અને તેની આસપાસની રેલવે ટ્રેક ઉપર ભારે વરસાદથી પાણી ફરી વળ્યા હોવાથી બુધવારે વડોદરાથી ઉપડી જામનગર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વડોદરાથી ટ્રેન રદ કરવામાં આવતા રેક પરત આવી ન હોવાથી ગુરુવારે જામનગરથી ઉપડી વડોદરા જતી આ ઇન્ટરસિટી ટ્રેનને પણ રદ કરવાની ફરજ પડી હોવાનું રાજકોટ રેલવે ડિવિઝને જણાવ્યું છે. વડોદરા સેક્શનમાં રેલવે ટ્રેક પર અનેક સ્થળોએ પાણી ફરી વળ્યા હોવાથી અનેક ટ્રેનોને મોડી તેમજ રદ કરવામાં આવી છે. જેને કારણે રાજકોટથી બુધવારે રવાના થયેલી બે ટ્રેન પણ પ્રભાવિત થઇ છે. જેમાં રાજકોટથી આજે સવારે સાડા પાંચ વાગ્યે રવાના થયેલી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને વડોદરા સ્ટેશન પર અટકાવી દેવાઇ હતી. તદઉપરાંત ગત મોડી રાતે રાજકોટથી ઉપડેલી પોરબંદર-મુંબઇ ટ્રેનને પણ ટ્રેક પર પાણી હોવાને કારણે વડોદરા સ્ટેશન પર થંભાવી દીધી હતી. જેને કારણે ટ્રેનમાં રહેલા મુસાફરો પરેશાન થઇ ગયા હતા. જોકે, રેલવે ટ્રેક પરથી પાણી ઓસરી ગયા બાદ બંને ટ્રેનને વડોદરાથી રવાના કરવામાં આવી હોવાનું રાજકોટ ડિવિઝનના સૂત્રે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *