ઉપલેટાના લાઠ ગામમાં વાદળ ફાટ્યું!

હાલ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પર રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારે 6 વાગ્યાનો સમય હતો ત્યારે ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મેઘરાજાએ સાંબેલાધારે વરસવાનું શરૂ કર્યું હતું. ધોધમાર વરસાદ શરૂ થયો ત્યારે ગામના લોકોને ખબર નહોતી કે 3 કલાકમાં જ પોતાનું ગામ એક દરિયો બની બેટમાં ફેરવાઈ જશે. 6 વાગ્યે શરૂ થયેલો મુશળધાર વરસાદ 9 વાગ્યે ધીમો પડ્યો અને આ ત્રણ કલાક લાઠ ગામને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. ઘરો અને દુકાનોમાં કેડ સમાં પાણી ભરાઈ જતાં લોકો પણ ગભરાવા લાગ્યા હતા.

અનરાધાર વરસાદથી લાઠ ગામ ડૂબવા લાગતાં લોકો ડરના માર્યા મેઘરાજાને ખમૈયા કરો એવી પ્રાર્થના કરવા લાગ્યા હતા. ગામની બજારોમાં જાણે નદીઓ ગાંડીતૂર બની હોય એમ પૂરનાં પાણી ચારેકોર ફરી વળ્યાં હતાં. ગામનાં ઘરોમાં ફળિયામાં કેડ સમાં તો ઓસરીમાં એક-બે ફૂટ સુધી પાણી આવી ગયાં હતાં, આથી લોકોની ઘરવખરી, અનાજ, પશુઓનો ચારો પણ પલળી ગયો હતો.

ગામમાં રઝળતાં પશુઓ સૌથી વધુ પાણીમાં હેરાન થયાં હતાં. ગામનાં ઘરોની દીવાલોનો પશુઓએ ઓથ લીધો હતો. સરકારી સ્કૂલની ચારેબાજુ પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ગામનાં ખેતરો પાણી પાણી થતાં અનેક ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું છે તેમજ મગફળી, કપાસ, એરંડાના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *