ગુજરાતનાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકામાં અનેકવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત મોઢુકા ખાતે રૂ. 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રનાં લોકાર્પણથી આસપાસના 15 જેટલા ગામના 35 હજાર કરતા વધુ લોકોને આરોગ્યની વધુ આધુનિક સુવિધાનો લાભ મળશે.
મંત્રી બાવળિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જન આરોગ્ય અને જન સુખાકારીના પગલાઓને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તંદુરસ્ત આરોગ્ય વિકાસ માટેનું પ્રાથમિક પગથિયું છે. મોઢુકામાં રૂ. 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતા મોઢુકા સહિત આજુબાજુના 15 જેટલા ગામોના અંદાજિત 35 હજારથી પણ વધુ લાભાર્થીઓને આરોગ્યની અદ્યતન સેવાઓ મળી રહેશે.
હાલ વિંછીયા તાલુકા હેઠળ કુલ 47 ગામોમાં 37 પેટા આરોગ્ય કેન્દ્રો, 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 1 ડાયલીસીસ કેન્દ્ર કાર્યરત છે. ત્યારે મોઢુકા ખાતે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતા લોકોને વધુ આધુનિક સુવિધાઓ મળતી થશે. અહીંયા એમ.બી.બી.એસ. મેડીકલ ઓફિસર તથા આયુષ મેડીકલ ઓફિસરની સેવાઓની સાથે-સાથે પ્રસુતિની સગવડતા, ડાયાબીટીસ-બી.પી. નિદાન, માતાના બાળકોને રસીકરણ તેમજ 64 પ્રકારની લેબોરેટરી તપાસ સાથે દર્દીઓને દાખલ રાખવાની સગવડતા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.