ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ હવાઇ સેવા પર વધુ અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ કે ખરાબ વાતાવરણને કારણે વિવિધ એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે. તેમજ કેટલીક ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાને કારણે મોડી થતી હોય છે. વિવિધ રૂટની ફ્લાઇટ રદ થતાં તેમજ મોડી થતાં મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટ હિરાસર એરપોર્ટ પર સાંજે મુંબઇથી આવતી ઇન્ડિગો, એર ઇન્ડિયાની ફ્લાઇટ રવિવારે રદ તેમજ મોડી થતાં મુસાફરો હેરાન થઇ ગયા હતા.
એરપોર્ટ સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, મુંબઇથી સાંજે 19.40 કલાકે રાજકોટ આવતી ઇન્ડિગોની ફ્લાઇટને રદ કરવામાં આવી છે. તેમજ ઇન્ડિગોની રાજકોટ-અમદાવાદ-મુંબઇ કનેક્ટિંગ ફ્લાઇટ રાજકોટ તેના સમયનુસાર આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર આ ફ્લાઇટને અમદાવાદ-મુંબઇ વચ્ચે રદ કરવામાં આવી છે. તદઉપરાંત રાજકોટ-દિલ્હીની મુંબઇની કનેક્ટિંગ ફ્લાઇટ સાંજે 5.55ને બદલે 7.25ના સમયે રાજકોટ આવતા બે કલાક મોડી થઇ હતી. જ્યારે મુંબઇથી 8.40 કલાકે રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતા સવા કલાક જેટલી મોડી હિરાસર એરપોર્ટ પર લેન્ડ થઇ હતી.