રાજકોટ DEO કચેરી ખાતે આજે ખાનગી શાળાઓની ફીમાં સતત વધારા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUIનાં આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ફી વધારા મામલે આક્રોશ ઠાલવ્યો હતો અને ફી વધારો રોકવામાં અસફળ DEOની ચેમ્બરમાં જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ બંગડીઓ ફેંકી આક્રોશ ઠાલવ્યો હતો. ફક્ત એટલું જ નહીં FRC કમિટીમાં હાલ કોઈપણ સભ્ય નહીં હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને વિરોધ કરનારા તમામ આગેવાનો તેમજ કાર્યકારોની અટકાયત કરવામાં આવી હતી.
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આ તકે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ શાળામાં રૂ.15 અને 25 હજારનાં સ્લેબ મુજબ ફી વસૂલવામાં આવશે. બાદમાં આ વાત માત્ર કાગળ ઉપર રહી હતી ત્યારે સેલ્ફ ફાયનાન્સ એશોસિયેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફંડમાં મોટાં ફિગર આપી ગુજરાતની પ્રજાને લૂંટવાનો પરવાનો મેળવી લીધો હોય એવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનની FRC (કી રેગ્યુલર કમિટી) હાલ કાર્યરત ન હોય તો જિલ્લા શિક્ષણાધિકારીએ આડેધડ વસૂલાતી ફી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને FRCમાં નવા સભ્યોની નિમણૂક કરીને જે શાળાઓ વાલીઓ પાસે ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે એવી અમારી માંગ છે.