મનપાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે ફરિયાદ નોંધાશે

રાજકોટ મહાનગરપાલિકાએ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી વગરના કોમર્શિયલ બાંધકામોમાં નિયમ પાલન માટે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પૈકી ટીપી શાખામાં મનસુખ સાગઠિયાનો ચાર્જ હતો ત્યારે અવારનવાર ટી.પી.ના કામ લઈને આવતા અમિષા વેદ નામના મહિલાએ વેપારીને મનપાના અધિકારીની ખોટી ઓળખ આપી સીલ ખોલાવી દેવાની વાત કરી હતી. આ મહિલાને અનેક વેપારીઓ સાથે આ રીતે ચર્ચા કરીને ગમે તેમ સીલ ખોલાવી દેવા તેમજ અન્ય કામકાજ માટે મ્યુનિસિપલ કમિશનરના પણ નામનો ખોટો ઉપયોગ કરી રોફ જમાવ્યો હતો. જે મામલો બહાર આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મનપાએ કાર્યવાહી કરતા એ ડિવિઝને કાર્યવાહી શરૂ કરી છે.

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈના જણાવ્યા અનુસાર એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટરને એફઆઈઆર નોંધવા માટે ફરિયાદ આપી દીધી છે અને ટી.પી. શાખાના એન્જિનિયર જ ફરિયાદી બન્યા છે. પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધીને તેની નકલ મનપાને મોકલશે. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.એ જણાવ્યું છે કે કોની સાથે અને ક્યારે વાત થઈ હતી તેના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે નિવેદન માટે પણ બોલાવાયા છે અને તપાસ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *