રાજકોટ જિલ્લામાં ચોમાસાની સીઝનમાં ખરીફ પાકોનું નોર્મલ વાવેતર 5.32 લાખ હેક્ટર હોય છે. જેમાંથી આ વખતે 5,12,251 વાવેતર થયુ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ જોઈએ તો રાજકોટમાં સૌથી વધુ 63,611 તો જસદણમાં 60,542 હેક્ટર વાવેતર થાય છે. રાજકોટ શહેરમાં વરસાદ ઓછો પડી રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં વરસાદ પડતા ખેત પાકોને ફાયદો થયો છે. તેને કારણે જૂન માસથી અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનમાં વાવેતરનો 96% જેટલો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે. જેથી જે દિવસોમાં વરસાદ પડ્યો તે ખેત પાકોના ઉત્પાદન માટે ઉપયોગી નીવડ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ખરીફ સિઝનનું વાવેતર 5.32 લાખ હેક્ટર જેટલું છે. જેમાં મગફળી, કપાસ, સોયાબીન અને શાકભાજી- ઘાસચારાનુ વાવેતર મુખ્ય છે. મગફળી પાકનુ 2.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે કપાસ પાકનું 1.81 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. ગતવર્ષની તુલનામાં સોયાબીનના પાકમાં 67 ટકાનો વધારો થયો છે. જેમાં રોગ-જીવાતના પ્રશ્નો ઓછા આવતા હોવાથી સોયાબીનનું વાવેતર કરવાનું લોકો વધુ પસંદ કરે છે.