ઔદ્યોગિક એકમોથી ધમધમતા હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ આવી રહેલી ઈનોવા કાર પણ બસ સાથે અથડાઈ હતી અને અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. એમાં બસને રોંગમાં આવતી ટ્રક 20થી 25 ફૂટ સુધી ઢસડે છે. આ ઘટનામાં બસના ડ્રાઇવર-ક્લીનર સહિત 4 જણાને ગંભીર ઈજા થઇ હતી. ડ્રાઈવર-ક્લીનરને પતરાં કાપી બહાર કઢાયા હતા, જ્યારે અન્ય 10-12ને સામાન્ય ઇજા થઈ હતી.
84 તાલુકાના દામકા ગામ સ્થિત વિઝિલ સિક્યોરિટી કોલોનીમાંથી ગત રાત્રે વિઝિલ પ્લસ સિક્યોરિટી સોલ્યુશન પ્રા. લિ. નામની એજન્સીના 15 સિક્યોરિટી જવાનને લઈ એજન્સની બસ (જીજે-5 સીયુ-0048) હજીરા સ્થિત શેલ કંપનીમાં જઈ રહી હતી ત્યારે હજીરા રોડ ખાતે એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 નજીક રોંગ સાઇડ આવી રહેલા ડમ્પર (જીજે-5 સીયુ-8004) સાથે અકસ્માત થયો હતો.