શહેરમાં જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસેના ક્રિષ્નમ હાઇટ્સમાં શનિવારે ચોથા માળેથી ઝંપલાવી નવોઢાએ આપઘાત કરવાના બનાવમાં મૃતક નવોઢાના ભાઇઅે તેના બનેવીએ તેની બહેનને મારકૂટ કરી ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.રાજસ્થાનના બિલડી ગામે રહેતા પોઝાભાઇ રસિયાભાઇ ડામોરએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે રાજકોટ રહેતા જ્વાલાપ્રસાદ ઉર્ફે બેબીપ્રસાદ હરિરામ પાસવાનનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બહેન સોમીબેન ઉર્ફે સંગીતાબેનએ એકાદ વર્ષ પહેલાં તેને રાજસ્થાનના સોની ગામે રહેતા રાજુ જોગીભાઇ નિહરતા સાથે લગ્ન કરી લીધા હોય અને બન્ને સુરત રહેતા હતા ત્યારબાદ સાતેક માસથી જ્વાલાપ્રસાદ સાથે રાજકોટમાં ઘંટેશ્વર પાસેના ક્રિષ્નમ હાઇટ્સમાં પત્ની-પતિ સાથે રહેતા હતા.