રાજકોટ શહેરમાં ઓનલાઇન ગેમિંગના રવાડે ચડેલા યુવાને કરોડો રૂપિયા હારી જતાં તેની ઉઘરાણીમાં ત્રણ શખસોએ ધાક-ધમકી આપવાનું શરૂ કરી દઇ બે શખસો દ્વારા લમણે બંદૂક મુકી રૂપિયાની ઉઘરાણી કરતાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ત્રિપુટીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના પેડક રોડ ઉપર રહેતા પ્રિન્સ મનોજભાઇ ઠુંમર (ઉ.વ.24)એ ક્રાઇમ બ્રાન્ચમાં 40 ફૂટ રોડ ઉપર ઓમનગર સર્કલ પાસે પ્રણાલીપાર્કમાં રહેતા ઉત્તમ અશોકભાઇ વીરડિયા, માયાણીનગરમાં રહેતા સ્મિત કિશોરભાઇ સખીયા અને સરદારનગર-2માં રહેતા રવિ રમેશભાઇ વેકરિયા સામે ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પ્રિન્સે જણાવ્યું હતુ કે, તેના પિતા સાથે આર્યનગર-14માં ખોડિયાર સિલ્વરના નામે ચાંદીકામના કારખાનામાં કામ કરે છે. થોડાક સમય પહેલાં અમીનમાર્ગ ઉપર આવેલી ઉત્તમ વીરડિયાની દુકાને મિત્ર સાથે મોબાઇલ લેવા માટે ગયો હતો, જે બગડી જતાં તેને રિપેર કરવા માટે આપ્યો હતો. આ દરમિયાન જ્યારે ફોન લેવા ગયો ત્યારે આરોપી ઉત્તમે તેના મોબાઇલમાં ઓનલાઇન ગેમની આઇડી ઇન્સ્ટોલ કરી આપી હતી. આ આઇડીમાં તેણે રૂપિયા 5 લાખનું બેલેન્સ પણ કરી આપ્યું હતુ અને રમવા માટેનું કહેતા પ્રિન્સ ઓનલાઇન ગેમિંગના રવાડે ચડ્યો હતો, જે બાદ આ રકમ હારી જતાં તેણે કારખાનામાં હિસાબના ગોટાળા કરી ઉત્તમને તે રકમ પરત આપી દીધી હતી. બાદમાં વધુ જુગારના રવાડે ચડતા સ્મિત કટકે-કટકે રૂ.1.37 કરોડ હારી ગયો હતો, જે પૈકી રૂપિયા 71 લાખ તેને ચૂકવી આપ્યા હતા પરંતુ બાકીના 64.50 લાખની માંગણી માટે ઉત્તમ પ્રિન્સના કારખાના સુધી પહોંચ્યો હતો.