સર્કિટહાઉસના મેનેજરે કોન્ટ્રાક્ટના કર્મીઓને ગાળો ભાંડ્યાની ફરિયાદ

શહેરના સર્કિટહાઉસમાં કોન્ટ્રાક્ટમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં કર્મચારીએ સર્કિટહાઉસના મેનેજર અને કોન્ટ્રાક્ટર સામે પોલીસમાં ફરિયાદ કરી છે. મેનેજર પગાર બાબતે ધમકાવી ગાળો ભાંડતા હોવાનું અને પૂરતો પગાર નહીં અપાતો હોવાની રાવ કરવામાં આવી છે. તોપખાના વિસ્તારમાં રહેતા અને પાંચેક વર્ષથી સર્કિટહાઉસમાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં મનોજભાઇ હરિભાઇ ઢાંકેચા (ઉ.વ.54)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. મનોજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સર્કિટહાઉસમાં પોતાના સહિત 35 કર્મચારી કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને વારંવાર સર્કિટહાઉસના મેનેજર સુજિત વસાવડા ગાળો આપી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. બે મહિના પહેલાં મેનેજર વસાવડાએ તમામ સ્ટાફનો એકઠો કર્યો હતો અને બધાને ગાળો ભાંડીને કહ્યું હતું કે, ઇલેક્શન પૂરું થાય એટલે તમને બધાને જોઇ લેવામાં આવશે.

25 મેના કર્મચારી હરેશભાઇ જેઠવાના સસરાનું નિધન થતાં તેઓ બે દિવસની રજા પર ગયા હતા તો સુપરવાઇઝર રવિ ચૌહાણે 5 દિવસની ગેરહાજરી દર્શાવી હતી અને આ બાબતે મેનેજર વસાવડાનું ધ્યાન દોરતા તેમણે પણ રજૂઆતને ધ્યાને લીધી નહોતી. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને નિયમાનુસાર મહિને રૂ.11500 ચૂકવવાના હોય છે, પરંતુ 10500 જ આપવામાં આવ છે તેમજ પીએફ કપાયા અંગેના કોઇ પુરાવા પણ આપતા નથી. પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી. કર્મચારીઓ દ્વારા જ્યારે પૂરતા પગારની માંગ કરવામાં આવે છે ત્યારે મેનેજર વસાવડા અને કોન્ટ્રાક્ટર ચૌહાણ દ્વારા તમે કામ કરતાં નથી તેમ કહી ધમકાવવામાં આવે છે. મનોજભાઇ ઢાંકેચાએ અરજીમાં એવી પણ ભીતિ દર્શાવી હતી કે, તેમણે મેનેજર વસાવડા અને કોન્ટ્રાક્ટર રવિ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ કરતાં તે બંને શખ્સ હેરાન પરેશાન કરી શકે તેમજ ચોરીનું ખોટું આળ પણ મૂકી શકે છે. ફરિયાદ પરથી પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *