વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની ટ્રેઈની IAS પૂજા ખેડકરે હવે પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફરિયાદ પૂજા ખેડકરના ઘરે પહોંચેલી પોલીસને લઈને કરવામાં આવી છે. ખેડકરે પુણે ડીએમ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં, સોમવારે મોડી સાંજે પોલીસની ટીમ પૂજાના વાશિમમાં ઘરે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. વાશીમની મહિલા પોલીસની ટીમ પૂજાના ઘરે ગઈ હતી.
મળતી માહિતી મુજબ પૂજાએ વાશિમ કલેક્ટર બુવેનેશ્વરી એસ પાસેથી પરવાનગી લઇને કેટલીક માહિતી શેર કરવા માટે પોલીસને ફોન કર્યો હતો. પોલીસની ટીમ પૂજાના પિતા દિલીપ ખેડકર અને માતા મનોરમા ખેડકરની શોધમાં સતત દરોડા પાડી રહી છે. જમીનના કબજાને લઈને થયેલા વિવાદ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસે બંને વિરુદ્ધ FIR નોંધી છે.
3 મહિલા પોલીસકર્મીઓની ટીમ પૂજા ખેડકરના ઘરે ગઈ હતી. તેમાંથી એક એસીપી પણ હતા, જે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. વાશિમ પોલીસ સોમવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પૂજા ખેડકરના ઘરે પહોંચી અને 1 વાગ્યે બહાર આવી હતી. જ્યારે પોલીસને કારણ પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કે તેઓ સત્તાવાર હેતુ માટે આવ્યા હતા.