રાજકોટના આજીડેમ નજીક દર રવિવારે ગુજરી બજાર તરીકે ઓળખાતી બજાર ભરાય છે, જેમાં અનેક નાના વેપારીઓ પોતાની આજીવિકા રળતા હોય છે. જોકે વેપારીઓને લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી જગ્યા ખાલી કરવા આદેશ આપવામાં આવતાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં 600 કરતાં વધુ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એમાં વેપારીઓ તેમજ કોંગ્રેસના આગેવાનો ત્રિકોણ બાગ ચોકમાં એકઠા થયા હતા. અને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલીસ્વરૂપે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જ ધંધો કરવાની મંજૂરી આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ કરવામાં આવી હતી.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતું કે રાજકોટમાં ભાજપના નેતાઓ અને આગેવાનો, ધારાસભ્યો, સંસદસભ્યો અને કોર્પોરેટરો દ્વારા અનેક ગેરકાયદે બાંધકામો કરવામાં આવે છે. તેની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની બદલે રોજનું કમાઈને રોજ ખાનારા નાના વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. ગરીબ પાથરણાંવાળા રવિવારની બજારની રોનક છે. તેમને તંત્ર દ્વારા રંજાડવામાં આવે છે. આ રાજકોટના તંત્રનો જનવિરોધી ચહેરો છે. એટલા માટે જ હું સવાલ પૂછવા માગું છું કે ભાજપના 68 નગરસેવક, ધારાસભ્યો અને સંસદસભ્યો હોવા છતાં મારે આ રજૂઆત કરવા કેમ આવવું પડ્યું? આ તંત્ર તેમજ ભાજપ માટે શરમનો વિષય છે. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી હોય તો મોટા મગરમચ્છો સામે કરો, આ ગરીબ લોકોને હેરાન ન કરો, આ માગ સાથે આજે 1000 લોકોની રેલી લઈને મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી લારી-ગલ્લા અને પાથરણાંવાળા ત્યાંથી હટશે નહીં.