10 ચોપડી ભણેલા ITIના 625 તાલીમાર્થીને મહિને 28 હજાર સુધીના પગારની નોકરી મળી

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે પ્રિ-પ્લેસમેન્ટ કમ જોબ ફેર-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સેક્ટર જેવાં કે ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, સોલાર, કેમિકલ, IT, હેલ્થ, ઈન્સ્ટ્રુમેન્ટ, રેફ્રીજરેશન, કમ્પ્યૂટર વગેરેને લગતા અનેક નાના મોટા કુલ 55 એકમએ ભાગ લીધો હતો.

આ પ્રિ-પ્લેસમેન્ટ કમ જોબ ફેરમાં ભાગ લીધેલા 725 તાલીમાર્થીમાંથી 625 તાલીમાર્થીની પ્રાથમિક પસંદગી થઇ હતી. સરકારના સ્કિલ ઇન્ડિયા મિશનને સાર્થક કરવા એકમોએ પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો અને તેમાં એકમો તરફથી તાલીમાર્થીઓની યોગ્યતાનાં આધારે અંદાજે રૂ. 9000થી રૂ.28000 સુધીના માસિક પગારની ઓફર કરી છે. આઈ.ટી.આઈ. દ્વારા ચલાવાતા વિવિધ એક અને બે વર્ષના જુદા-જુદા ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ટ્રેડમાં કોર્સ પૂર્ણ કર્યે તાલીમાર્થીઓને વર્ષ દરમિયાન યોજાતા પ્લેસમેન્ટ ફેર દ્વારા રોજગારીની તકો મળી રહે છે.

રાજકોટની આઈટીઆઈમાં 10 ચોપડી ભણેલા વિદ્યાર્થીઓ એવી કામગીરી કરી રહ્યા છે કે ગણતરીની મિનિટોમાં જ કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રિક વસ્તુઓ, નાના-મોટા તમામ પ્રકારના વાહનો, લેટેસ્ટ મોબાઈલના રિપેરિંગ કરી દે છે. અભ્યાસ ઓછો હોવા છતાં અહીંના વિદ્યાર્થીઓ આજે ટોચની કંપનીઓમાં સારી પોસ્ટ પર ફરજ નિભાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *