રાજકોટ RTOનું સારથી પરિવહન પોર્ટલ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વારંવાર બંધ થઈ જતા ITIમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, જો સર્વર ઠપ્પ જ રહેતાં હોય તો આ પ્રકારના સેન્ટર બંધ કરી દેવા જોઈએ. જો કે, આ બાબતે જ્યારે RTO અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, સર્વર હેડ ઓફિસથી હેન્ડલ થતું હોવાથી આ બાબતે અહીંથી હું કઈ કરી શકું તેમ નથી.
અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી
રાજકોટ રહેતા હિરેન સાપરિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનું લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે અહીં લોધિકા ITIમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવ્યા છીએ. ગત એપ્રિલ માસમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. બાદમાં ખીરસરામાં સ્થિત લોધિકા ITIમાં 3 વખત અપોઈન્ટમેન્ટ લીધી હતી. ત્રણથી ચાર વખત અમે અહીં ધક્કા ખાઈએ છીએ. પરંતુ સર્વર કોઈ દિવસ ચાલુ હોતા જ નથી. મારા જેવા અનેક લોકો અહીં આવે છે અને સર્વર બંધ હોવાથી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વિના પરત ફરે છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આરટીઓમાં ફોન કર્યો તો તેઓએ ITIના પ્રિન્સિપાલની જવાબદારી ગણાવી અને અહીં પૂછ્યું તો આરટીઓને જવાબદાર ગણાવી જવાબદારીની ફેંકાફેંકી કરવામા આવી રહી છે. અહીં લાઇસન્સ મળતું નથી અને છોકરાઓ વાહન લઈને જાય તો પોલીસવાળા રોકે છે.