વીંછિયા તાલુકાના મોટી લાખાવડ ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા તેને વીંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પિયરના પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. બાદમાં મૃતકના પીયરીયાઓએ તેમની દીકરીને તેના સાસરીયાઓએ જ મારી નાખી હોવાના આક્ષેપો કર્યા હતા. આથી પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
વીંછિયાના મોટી લાખાવડ ગામે રહેતા બળવંત જીવરાજભાઈ વાલાણીએ 7 મહિના પહેલા તેના જ ગામમાં રહેતી ભાનુબેન પરસોત્તમભાઈ સાંકળીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ ભાનુએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવમાં મૃતકના પિતા સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમની દીકરીને તેના સાસરીયાઓએ જ મારી નાખી છે. જેથી બનાવનું સાચું કારણ જાણવા માટે પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.