અષાઢી બીજની રજા બાદ સોમવારે યાર્ડમાં મગફળીની આવક 600 ક્વિન્ટલ વધી હતી. સિંગતેલમાં રૂ.15નો ઘટાડો આવ્યો હોવા છતાં ડબ્બાનો ભાવ રૂ.2620 નોંધાયો હતો.જ્યારે કપાસિયા અને પામોલીન તેલમાં રૂ.5નો નજીવો ઘટાડો થયો હતો. અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. હાલમાં સિંગતેલના ભાવ વધ-ઘટનો આધાર મગફળીની આવક પર રહેશે. જો આવક જળવાયેલી રહેશે તો ભાવમાં સ્થિરતા જોવા મળશે. બીજી બાજુ આજથી લગ્ન સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે ખાદ્યતેલમાં ખરીદીની પણ સંભાવના સેવાઈ રહી છે.
યાર્ડમાં મગફળીની આવક વધવાની સાથે સાથે તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ઉઘડતી બજારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1750 નોંધાતા રૂ.1800એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું રહ્યું હતું. આ સિવાય પામોલીન તેલના ભાવમાં રૂ.5નો વધારો થયો હતો. શનિવારે મગફળીનો ભાવ રૂ.1295 બોલાયો હતો અને સોમવારે મગફળીનો ભાવ રૂ.1288 રહ્યો હતો. સિંગતેલ લૂઝમાં 1500ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.કપાસિયા વોશનો ભાવ રૂ.920-925 રહ્યો હતો. હાલ વરસાદી માહોલ હોવાને કારણે મોટાભાગની ઓઈલમિલ પણ બંધ છે.જો મગફળીની આવક વધશે તો ઓઈલમિલમાં પણ પિલાણ વધશે.