રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટેનો ક્રેઝ આ વર્ષે પણ યથાવત્ રહ્યો છે. જેમાં રાજકોટ શહેરની મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં 1,236 તો જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળ આવતી જિલ્લાની સરકારી શાળાઓમાં 2,339 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને બાય બાય કહી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ખાનગી શાળાઓમાં લેવામાં આવતી ઊંચી ફી સામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ગુણવત્તા યુક્ત ફ્રી એજ્યુકેશન વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ આકર્ષી રહ્યું છે. સાથે જ હવે તો સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પણ છે અને શિક્ષકો પણ લાયકાતવાળા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ વર્ષે 3,575 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.