રાજકોટ માર્કેટયાર્ડના નવા હોદેદારો માટે આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. જેને લઈને સહકારી ક્ષેત્રે ઉતેજના પ્રવર્તી રહી છે. નવા હોદેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આવતીકાલે ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા મેન્ડેટ અપાશે. હોદેદારો રિપીટ થાય છે કે બદલાવ આવે છે તેના વિશે અનેક અટકળો ચાલી રહી છે. હાલ રાજકોટ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરા તો વાઈસ ચેરમેનપદે વસંત ગઢીયા છે. અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતા બાકીના સમયના હોદેદારો નકકી કરવા આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પુર્વે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદીપ ખીમાણી, હસમુખ હિંડોચા તથા અમીબેન પરીખને ભાજપે નિરીક્ષક બનાવ્યા હતા. ચેરમેનપદ માટે બે ડાયરેકટરોના દાવા થયાના નિર્દેશ છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરા તથા સિનિયર ડાયરેકટર પરસોતમ સાવલીયા માટે દાવા પેશ થયા હતા. આ સિવાય વાઈસ ચેરમેન માટે બે થી વધુ ડાયરેકટરોએ દાવા પેશ કર્યા હતા .તેમાં વેપારીઓના ચાર ડાયરેકટરોએ ચારમાંથી એકને આ પદ સોંપવાની રજૂઆત કરી હતી.