રાજકોટ સિવિલ હોસ્પિટલના અવારનવાર સામે આવતા વિવાદો બાદ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ છીનવી લેવાયો છે. તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા છે. સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડો. મોનાલીની આ નિમણૂક બાદ સિવિલ હોસ્પિટલના વિવાદો ઘટશે કે નહીં? તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ઉપ સચિવ વી. એમ. પટેલે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, તબીબી અધિક્ષક પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનો તારીખ 3જી એપ્રિલ 2021થી વધારાનો હવાલો ધરાવતા ડો.રાધેશ્યામ ત્રિવેદી ફીજીયોલોજીના પ્રાધ્યાપકને તબીબી અધિક્ષકના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે. તેમજ બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.મોનાલી માકડીયાને તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ, રાજકોટનો વધારાનો ચાર્જ તેમની મૂળ ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.