રાજકોટ મનપાની ટીપી શાખાનો ભ્રષ્ટાચાર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સામે આવ્યો છે. જેને લઈને તપાસની કાર્યવાહી ચાલતી હોવાથી ટાઉન પ્લાનિંગ વિભાગમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ આપવાથી લઈ ડિમોલિશન, ઇમ્પેકટ ફીની ફાઇલોના નિકાલ જેવી વહીવટી પ્રક્રિયા પણ સ્થગિત થઈ ગઇ છે. ત્યારે નોટિસ હોય કે ઇમ્પેકટને લગતા કાયદા અંગેની કાર્યવાહી, ખુબ ચોકસાઇથી કામગીરી કરવા કમિશનરે ટીપી વિભાગને સૂચના આપી છે. તો ઇમ્પેકટની અધુરી ફાઇલો મૂકનારા પાસે પૂરા દસ્તાવેજોની ઉઘરાણી કરી સમયમર્યાદામાં તેનો નિકાલ કરી નાંખવા આદેશ આપ્યો છે. હવે મોટા ભાગે તપાસ અને ધરપકડની કાર્યવાહી કોર્પો. બિલ્ડિંગ અંદર પૂરી થઇ ગયાનું લાગે છે. આ કામગીરીમાંથી હળવા થયા બાદ કમિશનરે ટાઉન પ્લાનિંગ અધિકારી સહિતના વિભાગ સાથે મિટિંગ કરી હતી. જેમાં રોજિંદી અને સંવેદનશીલ કાર્યવાહી વધુ ગંભીરતાથી કરવા સૂચના આપી છે.