રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 14 ડેમમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજી-3 ડેમમાં 3.41 ફૂટ,સોડવદર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.08 ફૂટ, મોજ ડેમ 4.20, ફોફળ ડેમ 2.40 ફૂટ, આજી-2 ડેમ 0.10 ફૂટ, સુરવો ડેમ 10 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33, છાપરાવાડી-2 ડેમ 4.59 ફૂટ અને ભાદર-2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ પાણની આવક વધતા આજી-2 ડેમ 2 દરવાજા 0.15 મીટર ખોલાવામાં આવ્યા છે.
ધોરાજીના ભાદર 2 ડેમ આજના લેવલ મુજબ 100% ભરાઈ ચૂક્યો હોવાની માહિતી સામે આવી છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ભાદર-2 ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. જેમાં 654 ક્યુસેક પાણીની આવક છે અને હાલ સપાટી 52 મીટર પર પહોંચી ગઈ છે, ત્યારે આજે વરસાદ આવશે અને પાણીની આવક થશે તો તેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તેવી સિંચાઈ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહીત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભાદર બે ડેમ ભરાઇ જતા ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.