રાજકોટના ભાવનગર રોડ પર આજી ડેમ નજીક રવિવારી બજારમાં ખાટલા ભાડે આપી ગરીબ પાથરણાવાળા પાસેથી ખંડણી ઉઘરાવવાના પ્રકરણમાં સૂત્રધારની ઓળખ થઇ ગયાનું સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ભૂરાભાઇ નામનો શખ્સ ખાટલા ભાડી આપી ખંડણી ઉઘરાવતો હોવાનું સિંચાઇ વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા આ શખ્સને નોટિસ દેવા કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ સિંચાઇ વિભાગના ડેપ્યુટી ઇજનેર પરેશ ઉમરાણિયાએ જણાવ્યું હતું કે, આજી ડેમ નજીક સિંચાઇ વિભાગની મોટી જગ્યા આવેલી છે.
આ જગ્યા પર રવિવારી બજાર ભરાઇ છે અને આ રવિવારી બજારમાં આવતા ધંધાર્થીઓ અને અન્યો આજી ડેમમાં પ્લાસ્ટિક સહિતનો કચરો નાખતા હોવાથી ડેમ પ્રદૂષિત થતો હોવાથી ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં સિંચાઇ વિભાગની તપાસમાં કોઇ અજાણ્યો શખ્સ રવિવારી બજારમાં ખાટલા ભાડે આપતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે રવિવારે બજારમાં તપાસ કરતા ભૂરાભાઇ નામનો શખ્સ ખાટલા ભાડે આપતો હોવાનું અને એક ખાટલાના રૂ.40 અને કોઇ ધંધાર્થી બે ખાટલા ભાડે મેળવે તો રૂ.35-35 લેખે રૂ.70 ઉઘરાવતો હોવાનું દર અઠવાડિયે 1500થી 2000 જેટલા ખાટલા ભાડે આપતો હોવાનું ખુલ્યું હતું.