લોકસભાની ચૂંટણી બાદ રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવા કારોબારી સમિતિની બેઠક પૂર્વે વિવિધ સમિતિઓની બેઠક યોજવા કવાયત ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિ અને જાહેર બાંધકામ સમિતિની બેઠક યોજાશે. જેમાં જાહેર આરોગ્ય સમિતિની બેઠકમાં 9 અને બાંધકામ સમિતિમાં 10 એજન્ડા છે. જેના પર સમિતિ મંજૂરીની મહોર મારશે.
જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં હાલ ચાલતા તમામ પ્રકારના બાંધકામ અંગે ચર્ચા કરાશે. તેમજ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આરોગ્ય વિભાગ માટેની લેબોરેટરી સાધનોના વપરાશ માટે રિએજન્ટ ખરીદી કરવા સને 2024-25ના વર્ષ માટે રૂ.16 લાખની જોગવાઇ થયેલ છે. વાર્ષિક રૂ.25 હજારની મર્યાદામાં ખરીદી કરવાની સત્તા પીએચસી મેડિકલ ઓફિસરને આપવા દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં અત્રેના જિલ્લામાં બે નવા પેટા આરોગ્ય કેન્દ્ર જસદણ તાલુકાના બળધોઇ અને વીંછિયા તાલુકાના ગોરૈયા ખાતે તબદીલ કરવામાં આવેલ છે, પરંતુ રાજકોટ જિલ્લામાં બળધોઇ ખાતે અગાઉથી પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યાન્વિત હોવાથી જસદણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જસદણ તાલુકાના ગઢડિયા(જામ) ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર સ્થળ ફેરબદલ કરવા સૂચવેલ છે. જે અંગે નિર્ણય લેવાશે.