ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકનાં મૃત્યુ નીપજ્યાં બાદ 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રે જણાવ્યું છે, આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. તપાસ કરતાં આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું, આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને એ કારણે 48 લોકોને ઝાડા-ઊલટી થયાં હતાં. કોલેરાનો રોગ પ્રસરતાં સ્થાનિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
કોલેરા જાહેર થાય તો એ આખો વિસ્તાર જોખમી જાહેર કરવામાં આવતો હોય છે. આ રોગચાળા અન્વયે સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફીમેલ હેલ્થવર્કર, આશાવર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફીમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપાઇ છે. ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી, પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીનાં નળ જોડાણ લીધાં નહોતાં.
કોલેરાના કેસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી.કે. સિંઘનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગત 16 જૂનથી ઝાડા-ઊલટી સહિતના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ જેટલાં ગામોના 25,000 લોકોના સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવ્યા છે. ઉપલેટા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા જે જળસ્રોતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના પણ સેમ્પલ લેવામાં આવ્યાં છે.