મારામારીની ટેવ ધરાવતાં અને અગાઉ 15-15 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભગવતીપરાના બે શખસોને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધા છે. રાજકોટના ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સુખસાગર હોલની સામે રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.30)ને પાસા હેઠળ વડોદરા અને જયપ્રકાશનગર ચામુંડા કરિયાણા દુકાન વાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર (ઉ.વ.34)ને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાવન વિરૂધ્ધ પ્રદ્યુમનનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં મારામારી, લૂંટ, દારૂ, જાહેરનામા ભંગ, આર્મ્સ એક્ટ, ચોરી સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે સલિમ ઉર્ફ સલ્લુબાપુ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ, હત્યા, હત્યાની કોશિષ, દારૂ સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર બી-ડિવીઝન પોલીસે તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજુર કરી હતી.