બે વર્ષ પૂર્વે રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં હોકીની રમતમાં વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. ટૂર્નામેન્ટ દરમિયાન બોલ બોય તરીકે સેવા આપનાર 30 જેટલા જુનિયર ગર્લ્સ-બોયઝને મહેનતાણું નહિ મળતાં કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. 37મી નેશનલ ગેમ્સમાં સામેલ હોકી અને સ્વિમિંગની રમતનું રાજકોટમાં આયોજન થયું હતું. હોકી સ્પર્ધા 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર, 2022ના યોજાઇ હતી. ટૂર્નામેન્ટ દરમિયાન મેચમાં બોલ બોય તરીકે હોકી રાજકોટના જુનિયર ગર્લ્સ-બોયઝે સેવા આપી હતી. આ સેવા આપનારને એક દિવસના રૂ.1 હજાર લેખે મહેનતાણું આપવાનું નક્કી થયું હતું.
બોલ બોયની સેવાનું મહેનતાણું હોકી ઇન્ડિયાએ ચૂકવવાનું થતું હોવાથી તે રકમ હોકી ગુજરાત દ્વારા બોલ બોયને ચૂકવવાની હતી. લાંબો સમય વિતવા છતાં બોલ બોયઝ-ગર્લ્સના મહેનતાણા નહિ મળતા હોકી ગુજરાતના સેક્રેટરી વિજય કર્પેને ફોન તેમજ મેસેજ કર્યા હતા, પરંતુ ફોન ઉપાડવાની તસ્દી ન લઇ મેસેજ કરી હોકી ઇન્ડિયા રકમ ચૂકવી આપશે તેવું જણાવી દીધું હતું. તેમ છતાં આજ સુધી 30 જેટલા બોલ બોય તરીકેની સેવા આપનાર ગર્લ્સ-બોયઝને લાખોની રકમ હજુ સુધી મળી નથી. નેશનલ ગેમ્સ પૂર્વે હોકી ગુજરાત દ્વારા બોલ બોયના તમામ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. છતાં હજુ સુધી મહેનતાણું ચૂકવવાને બદલે હોકી ગુજરાતના સેક્રેટરી, પ્રમુખ સહિતનાઓ બોલ બોયઝને ફોન પર ખો આપતા રહેતા હોય કૌભાંડ આચર્યાની શંકા દૃઢ બની છે.