રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી ઉપલેટા પંથકનાં ગામોને જોડતા મુખ્ય માર્ગનો મોજ નદી ઉપર બનાવેલો કોઝવે ધોવાઇ જતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. આ કારણે આસપાસનાં 10થી વધુ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યા દૂર ન થતાં આજે સ્થાનિકો સ્થળ પર એકઠા થયા હતા. એટલું જ નહીં, રામધૂન બોલાવી તેમજ વિવિધ સૂત્રોચ્ચાર કરી આ સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માગ કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તંત્ર સમારકામમાં માત્ર થૂંકથી સાંધા જ કરે છે. ચોમાસામાં વિદ્યાર્થીઓ સહિતનાને પાણીમાં જીવના જોખમે પાણીમાં ચાલીને રસ્તો પાર કરવો પડે છે.
પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની મોજ નદીને જોડતો પુલ જે ઉપલેટા તથા જામકંડોરણા વચ્ચે આવેલાં ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોરણાથી રાજકોટ જવા માટેનો એક માત્ર માર્ગ છે. બન્ને વચ્ચે આવેલો કોઝવે હાલમાં ઘણાં વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. આ કોઝવે દર વર્ષે ધોવાઇ જાય છે, ત્યારે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી થૂંકના સાંધા કરવામાં આવે છે, પણ ફરી બીજા વર્ષે વધુ વરસાદ પડે ત્યારે આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનું પણ ધોવાણ થઈ જાય છે તેમજ વાહનવ્યવહાર બંધ થઈ જાય છે.