રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પડેલો અડધો ઇંચ વરસાદ બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના 1 વાગ્યા આસપાસ વરસાદી ઝાપટું વરસ્યું હતું. આજે બપોર બાદ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જ્યારે ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી મુખ્ય રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોરના 1 વાગ્યા આસપાસ શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને અનેક વિસ્તારોમાં રસ્તા પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે.