રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈ પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.