રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને તેની ગેંગ પ્લાન પાસ કરવામાં કઈ રીતે લાંચ લેતા હતા તેનું રેટકાર્ડ
કેટલાક બિલ્ડર્સ, આર્કિટેક, વચેટિયા અને રાજકારણીઓ પાસેથી જાણવા મળ્યું છે જેમાં છેલ્લા 5 વર્ષમાં પ્લાન પાસ કરવા માટે સાગઠિયા અને તેની ગેંગના સભ્યોએ અંદાજે 180 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થયું છે.
મનપામાં વર્ષે 7000 જેટલા બાંધકામ પ્લાન મંજૂર કરાય છે જો કે હવે શહેરમાં કોમ્પ્લેક્સ કલ્ચર વધ્યું છે તેથી એક પ્લાનમાં જ ક્યારેક 20 તો ક્યારેક 45 ઘર કે ઓફિસ દુકાન હોય છે. આ માટે મનપાની ટી.પી. શાખામાં પણ વધતા કોમ્પ્લેક્સ કલ્ચરને લઈને હવે બાંધકામ પ્લાન ઉપરાંત યુનિટ દીઠ લાંચ લેવાનું શરૂ કર્યું છે. આ રીતે જોતા 7000 પ્લાન મુકાય તો તેમાં આશરે 45000 યુનિટ બન્યા હોય છે. આ 45000 યુનિટમાં નાના રહેણાક મકાનથી માંડી હાઈરાઈઝના ફ્લેટ કે ઓફિસ પણ હોય છે. એક નાનું મકાન હોય તો 1000 રૂપિયા લેવાય છે. જો કે આવા મકાનના પ્લાન ખૂબ જ ઓછા હોય છે. ફ્લેટ હોય તો 8000 રૂપિયા સુધી લાંચ લેવાતી હતી. ખાસ કરીને બિલ્ડરના વેચાણીયા પ્રોજેક્ટ હોય અને તેમાં પણ પ્લાનમાં જગ્યામાં છૂટછાટ કે પછી એવા કોઇ વિવાદ હોય તો તેને નજર અંદાજ કરવા માટે અલગથી પૈસા લેવામાં આવે છે. આ રીતે 1000 રૂપિયાથી માંડી એક યુનિટના 30,000 રૂપિયા તેમજ જો 25 મીટરથી મોટી બિલ્ડિંગ હોય તો તેમાં યુનિટ નહીં પણ જેટલું બાંધકામ હોય અને ખાસ છૂટ લેવી હોય તેટલી જમીનના પ્રતિ ચોરસ ફૂટના 1000 રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હતી. આ લાંચમાં ટી.પી. શાખાના અધિક ઈજનેરથી માંડી ટાઉન પ્લાન ઓફિસર તેમજ હાઈરાઈઝના કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર માટે પણ પૈસાની રોકડી કરવામાં આવે છે જેનું નેટવર્ક આર્કિટેક્ટ થકી ચલાવવામાં આવે છે.