દરિયાકાંઠે પ્રી-તોફાન શરૂ

કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચેના અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ‘બીપોરજૉય’ વાવાઝોડાનું બળ વધ્યું છે અને વધુ ઘાતક પણ બન્યું છે. આ વાવાઝોડું ક્યાં ટકરાશે, એ સોમવારની તેની દિશા નક્કી કરશે પરંતુ જો અત્યારની દિશા અને અનુમાન પ્રમાણે ચાલશે તો કરાંચીથી માંડવી વચ્ચે ક્યાંય પણ તારાજીનો ‘સ્પર્શ’ કરે, તેવી ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી અસરો વર્તાવાનું શરૂ થઈ ગયું છે તો દરિયામાં તોફાન પહેલાંનાં તોફાન જેવાં આદમકદનાં મોજાં ઊછળી રહ્યાં છે. કાંઠે પોલીસપહેરો પણ ગોઠવી દેવા સાથે બંદરો પર ભયસૂચક સિગ્નલ મૂકીને એનડીઆરએફ, નેવી, કોસ્ટ ગાર્ડ સહિતની ટીમ તૈનાત કરી દેવાઈ છે. સાથે જ કચ્છ, દ્વારકા, પોરબંદર સહિતનાં સ્થળેથી 40 હજારથી વધુ લોકો ઉપરાંત ગાંધીધામથી લખપત સુધીનાં 68 કાંઠાળ ગામોના 8200 લોકોના સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. ખંભાતના દરિયાકાંઠાનાં 16 ગામને એલર્ટ કરાયાં છે.

ગાંધીધામ : કંડલાના દિનદયાલ પોર્ટ ઑથોરિટી સહિત કચ્છનાં તમામ પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તેનો અર્થ એવો થાય છે કે દરિયામાં ચક્રવાત છે અને પોર્ટને આગળ જતાં અસર કરી શકે છે. હાલ કંડલા પોર્ટમાં રહેલા માછીમારો અને શ્રમિકોએ સ્વયંભૂ સ્થળ છોડવાની શરૂઆત કરી દીધી છે. કચ્છનાં કાંઠા વિસ્તારનાં 68 ગામોના 8200 લોકોનું સ્થળાંતર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *