હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસુ અટવાય ગયું છે. જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છ અને ખંભાતના અખાતમાં ભારે પવનો ફૂંકાવાને કારણે માછીમારોને આગામી બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે, ત્યારબાદ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, 11 જૂનના રોજ ચોમાસું નવસારીથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પરંતુ હાલમાં પણ ત્યાં જ અટવાયેલું છે. તેમ છતાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, હાલમાં ગઈકાલ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના ઉત્તરી ભાગમાં સર્જાયું હતું તેને કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.