રાજકોટ TRP ગેમ ઝોન મામલે વધુ એક ખુલાસો થયો છે. ગેમ ઝોનમાં કાફે રેસ્ટોરન્ટ ચાલતું હતું જેના માટે મેનેજર નીતિન જૈને રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તેમને કેવી રીતે પરમિશન આપવામાં આવી હતી, તેમજ શું શું પૂરાવા મેળવવામાં આવ્યા હતા અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. આ માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
અગ્નિકાંડ મામલે ગેરકાયદે ગેમઝોન અંગે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ વાકેફ હતા અને તેમની બેદરકારીના કારણે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતા પોલીસ દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગના કુલ 5 અને ફાયર વિભાગના 1 મળી કુલ 6 અધિકારીઓ સામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદુપરાંત TRP ગેમઝોન ખાતે કાફે રેસ્ટોરન્ટ પણ હોવાની માહિતી મળતા હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગ પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. જેમાં RMCનું આરોગ્ય તંત્ર પણ આ બાંધકામથી વાકેફ હતું કે કેમ તેમજ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવી હતી અને ક્યાં ક્યાં દસ્તાવેજોના આધારે ફૂડ લાઇસન્સ અપાયું તેની તપાસ કરવામાં આવી રહી છે.