ગોંડલ તાલુકાના હડમતાળા ગામે કારખાનેદાર સાથે સાઈટ પર કામ જોવા જતાં દલીત કડિયા યુવાનને રસ્તા વચ્ચે રોકી બે શખસોએ ‘તારે મજૂરી કામે જવાનું નથી’ તેવું કહી કાઠલો પકડી મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી ઘટનામાં ગોંડલ શહેરમાં વોરાકોટડા રોડ પર ઘરકામ બાબતે દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયા બાદ મોટાભાઈને નાના ભાઈએ પાઈપ વડે માર મારતાં યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો હતો.
ગોંડલના પાટિયાળી ગામે રહેતા અને કડિયાકામ કરતા કાનજીભાઈ પાલાભાઈ મકવાણા (ઉં.વ.45) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હડમતાળાના રમેશભાઈ સખિયા અને ભરતભાઈ સખિયાના નામ આપી જણાવ્યું હતું કે, તે બપોરે 12 વાગ્યેના અરસામાં ગામના બસ સ્ટેન્ડે બેઠો હતો ત્યારે, હડમતાળાના કારખાનેદાર જેનીથભાઈ કાર લઈ ફરીયાદીને પોતાના કારખાને કડિયાકામ કરવાનું હોય સાઈટ જોઈ જવા માટે તેડવા આવ્યા હતાં.
હડમતાળા સાઈટ જોઈ જેનીથભાઈની કારમાં પરત પોતાના ગામ તરફ જવા નિકળ્યા હતા ત્યારે, રસ્તામાં રમેશભાઈ સખિયા અને ભરતભાઈ સખિયાએ કારખાનેદાર જેનીથભાઈ સાથે જૂનુ મનદુખ ચાલી આવતું હોય તેનો ખાર રાખી કાર ઉભી રખાવી હતી. જેનીથભાઈની કાર રોકી બન્ને આરોપીઓ બોલાચાલી કરતા હતાં. ત્યારે તેમની સાથે રહેલા દલિત યુવાનને ‘તારે જેનીથભાઈને કારખાને કામે જવાનું નથી’ તેવું કહી મને ઓળખો છો તેમ કહી આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધtત કરી ઢીકાપાટુxનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.