રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મનપા ચોપડે વિવિધ રોગોનાં મળીને ગત સપ્તાહના 1306 સામે આ સપ્તાહે 1399 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સતત ત્રીજા સપ્તાહે ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો છે. જ્યારે શરદી-ઉધરસનાં સૌથી વધુ 661 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જો કે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 7,000 કરતા વધુ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1399 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 590 કેસ સામે આ સપ્તાહે 661 કેસ, ઝાડા-ઉલટીનાં 316 સામે 288 અને સામાન્ય તાવનાં 397 સામે 449 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો પણ 1 કેસ સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.