રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષની બાળા સ્કૂલ કે બજારમાં જવા નિકળે ત્યારે તેનો પીછો કરી છેલ્લા 6 માસથી છેડતી કરી પજવણી કરનાર વિવેક જીજ્ઞેશભાઈ કાપડી (ઉ.વ.21)ની સામે બી.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. આ બનાવમાં બી.ડિવિઝન પોલીસે છાત્રાના પિતાની ફરીયાદ પરથી વિવેક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, ત્રણેક દિવસ પહેલા ગઈ તા. 12નાં છાત્રાએ તેના પરિવારને વાત કરી હતી કે, આરોપી વિવેક છેલ્લા 6 માસથી હું સ્કૂલે જાવ ત્યારે પાછળ પાછળ આવે છે, મને રસ્તામાં રોકી ‘આઈ લવ યુ’, તું બહુ હોટ લાગે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે’ કહીં હેરાન કરે છે. એટલું જ નહીં બજારમાં નિકળું ત્યારે પણ પીછો કરી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. ચારેક માસ પહેલાં કામ સબબ ઘરેથી બજારમાં નિકળતા આરોપી વિવેક પીછો કરી ‘તું મારી સાથે મોબાઈલમાં સ્નેપ ચેટમાં વાતો કરજે, નહીં કરીશ તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. જેના કારણે વાત કરી ન હતી. ગઈકાલે સવારે પણ ઘરની બહાર નિકળતા આરોપીએ સામે જોઈ ખરાબ ઈશારા કરતા ઘરમાં આવી ગઈ હતી. આ વાત સાંભળી પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. ફરીયાદ નોંધાવતા બી.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.