રાજકોટમાં બકરી ઈદના દિવસે સ્કૂલ ચાલુ

સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં વિદ્યાર્થીઓનું ભણતર બંધ રાખવામાં આવે છે પરંતુ, રાજકોટ શહેરમાં રજાના દિવસે ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ લખાતું હોવાની ફરિયાદો સામે આવે છે ત્યારે આજે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં બકરી ઈદના દિવસે શૈક્ષણિક કાર્ય શરૂ હોવાની ફરિયાદોના આધારે આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિતના વિદ્યાર્થી આગેવાનો ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને શિક્ષણકાર્ય બંધ કરાવવા માટેના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર સ્કૂલ સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સમક્ષ તેઓ રજૂઆત કરતા હતા ત્યારે અચાનક પોલીસ આવી પહોંચી હતી અને વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળકિયા જ નહીં પરંતુ, રાજકોટની 500 જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે. તેમના આ નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલી કે. જી. ધોળકિયા સ્કૂલમાં આજે શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓની ફરિયાદના આધારે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સહિતના વિદ્યાર્થીઓ આગેવાનો સ્કૂલ ઉપર પહોંચ્યા હતા અને ‘ધોળકિયા સ્કૂલ બંધ કરો’ના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. આ દરમિયાન સ્કૂલ સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા ત્યાં ઉપસ્થિત હતા, જેમને રજૂઆત કરતા સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે, અમારી શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું ભણતર આજે બકરી ઈદની રજાને લઈને બંધ છે પરંતુ, મોટા ધોરણ એટલે કે જેઓને બોર્ડનું મહત્વનું વર્ષ છે એવા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય ચાલુ છે. ગુજરાતના શિક્ષણનું સ્તર ઊંચુ આવે તે માટે વિદ્યાર્થીઓનું ભણતર ચાલુ રાખવામાં આવ્યું છે. આ સમયે તેમને કહેવામાં આવ્યું કે, શા માટે ધોળકિયા સ્કૂલ એક જ ચાલુ છે? અન્ય 500 શાળાઓ બંધ છે. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, ચાલુ હું આપની સાથે આવું રાજકોટની 500 ખાનગી શાળાઓમા ધો. 9 થી 12ની શાળાઓ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *