બામણબોરમાં મોટા પાયે ખનીજ ચોરી

રાજકોટનાં બામણબોરમાં લાંબા સમયથી મોટાપાયે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. રાજકોટ તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર સમક્ષ રજૂઆત કર્યા છતાં આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈને ભાજપનાં ખનીજ માફિયાઓ, વહીવટી તંત્ર તેમજ પોલીસની મિલીભગતથી ખનીજની ચોરી કરવામાં આવી રહી હોવાનું કોંગ્રેસનાં આગેવાન અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમજ આ અંગે ACB તેમજ એરપોર્ટ પોલીસને પણ રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે.

રાજયનું ખાણખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં
કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાઓ, સરકારી વીડીઓ તેમજ માયનોર ફોરેસ્ટ વિસ્તારો સહિતના વિસ્તારોમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી આધુનિક મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનીજ સંપતિની ચોરી કરવામાં આવી રહી છે. રાજયનું ખાણખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ આવડી મોટી ખનીજ ચોરીથી ઈરાદાપૂર્વક અજાણ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *