તમે ગોંડલથી જતા રહેજો નહી તો તમને જીવતા નહી રહેવા દઉં’ કહી વ્યાજખોરોએ દંપતીને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી. ઉછીના લીધેલાં રૂપીયા આપી દિધા છતાં પઠાણી ઉઘરાણી કરતાં શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાતા ગોંડલ સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં મોટી બઝારમાં બાવાબારી શેરી નૂર કોલોનીમાં રહેતી સીમાબેન ઝુનેદભાઇ શેખા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શકિલ હશન કટારીયા (રહે. ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. ગઇ તા.24/05/2024 ના તેઓ પતિ-પત્ની રાજકોટ ગયેલ હતા. ત્યાંથી સાંજના ઘરે પરત આવતા તેમના સાસુએ વાત કરેલ કે, સાંજેના સમયે સકીલ કટારીયા ઘરે આવી અને કહેવા લાગેલ કે, મારા રૂ.41 હજાર મને પાછા આપી દેજો નહીતર હુ તમને કોઈને જીવતા નહી મુકુ તેમ કહી ત્યાથી જતો રહેલ હતો.
તેમના પતિએ શકીલ પાસેથી અગાઉ રૂ.41 હજાર હાથ ઉછીના લીધેલા હતા. ત્યારબાદ રૂપીયા કટકે કટકે કરીને શકીલના પિતા હશનભાઈને પરત આપી દીધેલ હતા તેમ છતા તે રૂપીયાની માગણી કરી અવાર નવાર તેમના પતિ યાર્ડમા મજૂરી કામ કરતા હોય ત્યાં જઈ પણ બધાને ધમકી આપતો કે, આ જુનેદને કોઇ અહીયા કામે રાખતા નહી. શકીલના પિતાએ તેમની દુકાને સમાધાન માટે બોલાવેલ હતા જેથી તેઓ દંપતી તેની દુકાને જતા શકીલ ગાળો બોલવા લાગેલ અને તમે ગોંડલથી જતા રહો નહી તો તમને જીવતા નહી રહેવા દઉ કહીં ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરેલ હતી.