બીમાર અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી લોહી માત્ર માનવ શરીરમાં જ બને છે. આ અમૂલ્ય લોહીનું દાન કરી આપણે અનેક લોકોની જિંદગી બચાવી શકીએ છીએ, ત્યારે આજરોજ ‘‘વિશ્વ રક્તદાતા દિવસ’’ નિમિત્તે પ્રાંત કચેરી, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના સૌજન્યથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતુ કે, સ્વસ્થ વ્યક્તિએ નિર્ભિકપણે રક્તદાન કરી અમૂલ્ય જીવ બચાવવામાં મદદ કરવી જોઈએ. સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ઉપરાંત અનેક દર્દીઓને રોજબરોજ મોટાપાયે રક્તની જરૂર રહેતી હોવાથી વધુને વધુ લોકોએ નિર્ભીકપણે રક્તદાન કરવું જોઈએ.
બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રાંત કચેરીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પનું આયોજન સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી કરાયું હતું. રકતદાતાઓ માટે ચા, લીંબુ સરબત, બિસ્કીટ સહિતની નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ કેમ્પમાં પ્રાંત અધિકારી ચાંદની પરમાર, શીરસ્તેદાર ભાલોડી, નાયબ મામલતદાર વસીમ રિઝવી, નાયબ મામલતદાર નિમીષાબેન યાજ્ઞિક સહીત પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.